Valsad Online
Join Telegram Valsad ValsadOnline
Gujarat News News

અમદાવાદમાં 15 જાન્યુઆરીથી 2 માસ સુધી 8 લાખને કોરોનાની રસીનું અભિયાન, હેલ્થવર્કર્સ, કોરોના વોરિયર્સ, 50થી વધુ વયનાને ત્રણ તબક્કામાં રસી અપાશે, રસીકરણ અંગે એ બધું જે તમે જાણવા માગો છો

8-lakh-vaccination-campaign-from-15th-to-2-months-health-workers-Valsad-ValsadOnline

અમદાવાદમાં 15 જાન્યુઆરીથી કોરોના માટેની સીરમ ઈન્સ્ટિટ્યૂટની કો-વેક્સિન આપવાના શુભારંભની શક્યતા છે. પહેલાં તબક્કામાં 55 હજાર હેલ્થવર્કર બીજા તબક્કામાં 55 હજાર કોરોના વોરિયર્સ અને ત્રીજા તબક્કામાં 50થી વધુની વયના લોકો અને 50થી ઓછી વયના પરંતુ કો-મોર્બિડ હોય તેમને રસી અપાશે. કુલ 8 લાખ લોકોને બે મહિનામાં રસીના બે ડોઝ અપાશે.

રજિસ્ટ્રેશન નહીં તો વેક્સિન નહીં
રોજ લગભગ 30 હજાર લોકોને રસી મૂકવાનું આયોજન છે. આ તમામનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે. હેલ્થવર્કર હોય કે કોરોના વોરિયર્સ પરંતુ રજિસ્ટ્રેશન નહીં કરાવનારી કોઈપણ વ્યક્તિને રસીનો લાભ મળશે નહીં. રસી માટે પ્રત્યેક અર્બન હેલ્થ સેન્ટરની આસપાસ આવેલી મ્યુનિ.ની 4 સ્કૂલને કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. આવા 300 કેન્દ્રો પરથી સવારે 9થી 5 વાગ્યા સુધી રસી અપાશે. સાયન્સ સિટી રોડ પર આવેલી સીમ્સ હોસ્પિટલ અને પોલિયો હેલ્થકેર ફાઉન્ડેશન ખાતે રસીકેન્દ્ર તૈયાર કરાયા છે. જો કે, આ બંને કેન્દ્રો પર તેમના સ્ટાફ માટે જ રસીની વ્યવસ્થા કરાઈ છે. સિવિલ હોસ્પિટલ મંજૂરી આપે તો ત્યાં પણ રસીકેન્દ્ર ખોલવાની વિચારણા ચાલી રહી છે.

આડઅસર થાય તો VS, SVP, LGમાં દાખલ કરાશે
રસી માટેની સમગ્ર પ્રોસેસ 50 મિનિટની છે. રસી લીધા પછી 30 મિનિટ સુધી કેન્દ્ર પર બનાવવામાં આવેલા ઓબ્ઝર્વેશન રૂમમાં બેસવું પડશે. જો કોઈ વ્યક્તિને સામાન્ય આડઅસર હશે તો એડ્રીનલાઈન અપાશે. પરંતુ ગંભીર આડઅસર દેખાય તો એસવીપી, શારદાબહેન, એલજી અને વીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. આડઅસર પછી કોઈપણ વ્યક્તિ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ શકશે નહીં. રસીના નિયમ મુજબ તમને જે દિવસે અને સમયે બોલાવવામાં આવે ત્યારે ન પહોંચો તો ફરી રસી મુકાવવાની તક મળશે નહીં.

શરદી, ઉધરસ અથવા તાવ હોય તો મેડિકલ તપાસ પછી જ રસીનો નિર્ણય લેવાશે
રસી કેન્દ્ર પર મેડિકલ ઓફિસર તમારું હેલ્થ ચેકિંગ કરશે. જો શરદી, ઉધરસ, તાવ હશે તો મેડિકલ એડવાઈઝ મુજબ રસી આપવી કે નહીં તેનો નિર્ણય લેવાશે. દરેક ઝોન પર રસીના 5 હજાર, આરોગ્ય ભવન ખાતે 1 લાખ ડોઝ સ્ટોર કરાશે.

એ બધું જે તમે જાણવા માગો છો

સવાલ: શહેરમાં રસીકરણ પ્રોગ્રામ ક્યારથી શરૂ થઈ શકે?
જવાબ:
 મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગની હાલની તૈયારીને જોતાં 15 જાન્યુઆરીથી લોકોને રસીના ડોઝ આપવાનું શરૂ થઈ શકે છે.

સવાલ: હું કોરોનાની રસી કઈ રીતે મેળવી શકીશ?
જવાબ:
 મ્યુનિ.ની સાઈટ, જે-તે વોર્ડના અર્બન હેલ્થ સેન્ટર પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. શહેરમાં મ્યુનિ.ના 76 અર્બન હેલ્થ સેન્ટર છે. જો કોઈ હેલ્થવર્કર તમારા ઘરે આવી નોંધણી કરી ગયા હોય તો અલગથી રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી.

સવાલ: રસી લેવા માટે મારે ક્યાં અને ક્યારે જવાનું રહેશે?
જવાબ:
 દરેક વોર્ડમાં રસીના ચાર કે તેથી વધુ કેન્દ્ર હશે. રજિસ્ટ્રેશનમાં તમે જે મોબાઈલ નંબર લખાવ્યો છે તેના પર તમારે કયા કેન્દ્ર પર રસી માટે ક્યારે જવાનું છે તેનો મેસેજ આવશે.

સવાલ: રસીકેન્દ્ર પર મારે કયા પુરાવા સાથે રાખવા પડશે?
જવાબ: 
રજિસ્ટ્રેશન સમયે તમે જે ફોટોઆઈડી આપ્યું હોય તે ફોટોઆઈડી ઓરિજિનલ બતાવવાનું રહેશે.

સવાલ: કોરોનાની રસીના કેટલા ડોઝ લેવાના રહેશે?, ડોઝ વચ્ચે કેટલા દિવસનું અંતર રહેશે?
જવાબ:
 રસીના બે ડોઝ આપવામાં આવશે, પહેલો ડોઝ લીધા પછી 28 દિવસ બાદ બીજો ડોઝ અપાશે.

સવાલ: જો રસી પછી કોઈ આડઅસર થાય તો શું કરવું?
જવાબ: 
રસી આપ્યાની 30 મિનિટ દરમિયાન કોઈ આડઅસર થાય તો ડોક્ટર દ્વારા નક્કી કરેલી દવા આપવામાં આવશે. જો ગંભીર અસર ઊભી થાય તો તાત્કાલિક શારદાબહેન, એલજી, એસવીપી અથવા વીએસ હોસ્પિટલમાં દાખલ કરાશે.

સવાલ: અગાઉ કોરોના થયો હતો તો શું મને રસી મળશે?
જવાબ:
 કોરોના મટી ગયો હોય અને નેગેટિવ રિપોર્ટ આવી ગયો હોય તેવા તમામ લોકોને રસી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સવાલ: શું હું ખાનગી હોસ્પિટલમાંથી રસી લઈ શકું છું?
જવાબ:
 ના, મ્યુનિ.એ નક્કી કરેલા રસીકેન્દ્રો ખાતેથી જ રસી લેવાની રહેશે. ખાનગી હોસ્પિટલો મ્યુનિ.ની મંજૂરી પછી માત્ર સ્ટાફને જ રસી આપી શકશે.

સવાલ: સૌથી પહેલાં કોને રસી આપવામાં આવશે?
જવાબ: 
પ્રથમ તબક્કામાં મ્યુનિ.ના 55 હજાર હેલ્થવર્કર્સ, બીજા તબક્કામાં 55 હજાર ફ્રન્ટલાઈન વર્કર્સ જ્યારે ત્રીજા તબક્કામાં 50થી વધુ વયના લોકો તેમજ 50થી ઓછી વય ધરાવતાં કો-મોર્બિડ (અન્ય બીમારી) લોકોને રસી આપવામાં આવશે. આ બંને મળી લગભગ 7 લાખ લોકો થાય છે.

સવાલ: રસી માટે મારે કોઈ પૈસા આપવા પડશે?
જવાબ:
 ના, રસી પ્રોગ્રામનો સંપૂર્ણ ખર્ચ ભારત સરકાર ભોગવવાની છે. તમારે પૈસા આપવાના નથી.

સવાલ: રસી માટે શહેરમાં કેટલાં કેન્દ્રો રાખવામાં આવશે?
જવાબ: 
શહેરના 48 વોર્ડમાં કુલ 76 અર્બન હેલ્થ સેન્ટર આવેલા છે. દરેક હેલ્થ સેન્ટરની આસપાસમાં મ્યુનિ.ની 4 સ્કૂલોમાં રસીકરણ કેન્દ્ર તૈયાર કરાયા છે. આ મુજબ કુલ 300 કેન્દ્રો તૈયાર કરાયા છે. જ્યારે અત્યાર સુધી ખાનગીમાં સીમ્સ અને પોલિયો હેલ્થકેર ફાઉન્ડેશન ખાતે કેન્દ્ર બનાવાયા છે. સિવિલ કહેશે તો ત્યાં પણ કેન્દ્ર બનશે.

ઈન્જેક્શન પછી સીરિંજ હબને હબ કટરથી કાપી નાશ કરાશે
દરેક રસીકેન્દ્ર પર બે વેક્સિનેટર અધિકારીની નિયુક્તિ કરાઈ છે. જે રસીમાં વપરાતા ઈન્જેક્શન સુરક્ષિત હોવાની ખાતરી કરશે. દરેક વ્યક્તિને રસી આપવા માટે વપરાતા ઈન્જેક્શનમાં નવી પેક એડી સીરિંજનો ઉપયોગ થાય છે કે નહીં તેની પણ આ અધિકારી ખાતરી કરશે. ઈન્જેક્શનથી રસી આપ્યા બાદ તરત એડી સીરિંજના હબને હબ કટરથી કાપી નાખી તેનો નાશ કરાશે.

Source

Related posts

भविष्य के सबसे तेज ट्रांसपोर्ट सिस्टम को आकार देगा 2021, लक्ष्य 1000 किमी प्रति घंटे की गति हासिल करना

ValsadOnline

નલિયા 5 ડિગ્રી સાથે ઠંડુંગાર,

ValsadOnline

2020 को क्यों बोलें थैंक्स:जानिए इस साल हमने क्या सीखा

ValsadOnline