7 માર્ચ 1971ના રોજ બાંગ્લાદેશ ( એ સમયે પૂર્વ પાકિસ્તાન)ના ઢાકાના મેદાન પર શેખ મુજીબુર્હમાન પાકિસ્તાની સરકારની વિરુદ્ધ દેખાવો કરી રહ્યા હતા. તેઓ નવો દેશ બનાવવાની માગ કરી રહ્યા હતા.
પરંતુ જ્યારે તેઓ એવું કરી રહ્યા હતા, ત્યારે કદાચ તેમને પણ ખબર નહીં હોય કે બરાબર 9 મહિના અને 9 દિવસ પછી તેમની માગણી પૂરી થઈ જશે અને બાંગ્લાદેશ એક આઝાદ દેશ બની જશે. 1947માં જ્યારે પાકિસ્તાન બન્યું, ત્યારથી જ પૂર્વ પાકિસ્તાનના લોકોને ફરિયાદ હતી કે તેમની સાથે ત્યાં ન્યાય થતો નથી.
25 માર્ચ, 1971ના રોજ પાકિસ્તાનના ત્યારના લશ્કરી સરમુખત્યાર જનરલ યાહ્યા ખાને પૂર્વ પાકિસ્તાનની ભાવનાઓને સૈન્ય શક્તિથી કચડવાનો આદેશ આપી દીધો. પૂર્વ પાકિસ્તાનમાં વધતી આ હિલચાલ પછી ભારત પર પણ દબાણ વધ્યું. નવેમ્બર આવતા જ બાંગ્લાદેશને લઈને ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો અને આખરે એ દિવસ આવી જ ગયો, જેનો સૌને ડર પણ હતો અને ખ્યાલ પણ હતો.
3 ડિસેમ્બર 1971ના રોજ તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી કોલકાતામાં એક જનસભા કરી રહ્યા હતા. ત્યારે બરાબર 5.40 વાગ્યે પાકિસ્તાની વાયુસેનાના સૈબર જેટ્સ અને લડાકુ વિમાનોએ ભારતીય વાયુ સીમા પાર કરીને પઠાણકોટ, શ્રીનગર, અમૃતસર, જોધપુર અને આગ્રાના મિલિટરી બેઝ પર બોમ્બ વરસાવવાનું શરૂ કરી દીધું. એ સમયે ભારતીય સેનાએ પણ જવાબી હુમલો કર્યો.
14 ડિસેમ્બરે ભારતીય સેનાએ એક ગુપ્ત સંદેશો પકડ્યો કે બપોરે 11 વાગ્યે ઢાકાના ગવર્નમેન્ટ હાઉસમાં એક મીટિંગ યોજાવાની છે. ભારતીય સેનાએ નક્કી કર્યુ કે મીટિંગ વખતે જ ગવર્નમેન્ટ હાઉસ પર બોમ્બ વરસાવવામાં આવશે. વાયુસેનાના મિગ-21 વિમાનોએ બિલ્ડિંગ છત ઉડાવી દીધી. એ સમયે મીટિંગમાં ત્યારના પૂર્વ પાકિસ્તાન (હવે બાંગ્લાદેશ)ના સેના પ્રમુખ જનરલ નિયાઝી પણ હાજર હતા.
16 ડિસેમ્બરે સાંજે લગભગ 5 વાગ્યે જનરલ નિયાઝીએ 93 હજાર પાકિસ્તાની સૈનિકોની સાથે ભારતીય સેનાની સામે સરેન્ડર કર્યુ. તેમણે પોતાના બિલ્લા ઉતારી નાખ્યા અને રિવોલ્વર પણ રાખી દીધી. એ સમયે જનરલ સેમ માણેકશાએ ઈન્દિરા ગાંધીને ફોન કરીને બાંગ્લાદેશ પર જીતના સમાચાર આપ્યા. તેના પછી ઈન્દિરા ગાંધીએ એલાન કર્યુ – ‘ઢાકા હવે એક આઝાદ દેશની આઝાદ રાજધાની છે.’ માત્ર 13 દિવસમાં જ ભારતીય સેનાએ પાકિસ્તાનની સેનાને ગોઠણીયે લાવી દીધી હતી. બાંગ્લાદેશ પર ભારતની જીત પછી જ 16 ડિસેમ્બરે દર વર્ષે વિજય દિવસ મનાવાય છે.
- ભારત અને દુનિયામાં 16 ડિસેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ આ પ્રકારે છેઃ
- 1631: ઈટાલીના વેસુવિયસ પર્વતનો જ્વાળામુખી ફાટવાથી છ ગામ તબાહ થઈ ગયા, જેનાથી ચાર હજારથી વધુ લોકો માર્યા ગયા.
- 1733: અમેરિકામાં બ્રિટિશર્સની વિરુદ્ધ સંગ્રામ શરૂ થયો, જેને બોસ્ટન ટી-પાર્ટી કહેવામાં આવે છે.
- 1920: ચીનના કાન્સુ પ્રાંતમાં ભીષણ ભૂકંપ આવવાથી એક લાખથી વધુ લોકોનાં મોત.
- 1945: બે વખત જાપાનના વડાપ્રધાન રહેલા ફુમિમારો કનોએએ યુદ્ધ અપરાધોનો સામનો કરવાના બદલે આત્મહત્યા કરી લીધી.
- 1951: હૈદતરાબાદમાં સાલાર જંગ સંગ્રહાલયની સ્થાપના કરાઈ.
- 1960: અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં બે વિમાનો ટકરાતા 136 લોકોનાં મોત.
- 1985: કલપક્કમમાં દેશના પ્રથમ ફાસ્ટ બ્રીડર પરમાણુ રિએક્ટરે કામ કરવાનું શરૂ કર્યુ.
- 2009: ફિલ્મ નિર્માણને એક નવા મુકામ પર લઈ જતા જેમ્સ કેમરને વિજ્ઞાન પર આધારિત ફિલ્મ ‘અવતાર’નું નિર્માણ કર્યુ. દુનિયાભરમાં આ ફિલ્મે 2.7 અબજ ડોલરની કમાણી કરી.