Valsad Online
Join Telegram Valsad ValsadOnline
News

PM મોદીની સૂચનાથી પુરાતત્ત્વ સરવે:સોમનાથ મંદિર જેવડું ત્રણ માળનું બાંધકામ ભૂગર્ભમાં; દિગ્વિજય દ્વાર, હિરણના કાંઠે બાંધકામ, બૌદ્ધ ગુફા પાસે ભૂગર્ભ રસ્તા મળ્યા, GPR ઇન્વેસ્ટિગેશનમાં બહાર આવ્યું

three-storey-construction-like-somnath-temple-underground-digvijay-Valsad-ValsadOnline
 • વડાપ્રધાન મોદીની સૂચનાથી IIT ગાંધીનગર અને આર્કિયોલોજી વિભાગ દ્વારા કરાયેલું સંશોધન
 • ભૂગર્ભમાં જ્યાં બાંધકામ હોવાનું મનાય છે એ 2 મીટરથી 12 મીટર સુધી જમીનની અંદર વાઈબ્રેશન પણ આવી રહ્યા છે
 • બાર જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ એવા સોમનાથ મહાદેવના સ્થળ નીચે ભૂગર્ભમાં ત્રણ માળનું એલ આકારનું બાંધકામ હોવાનું સંશોધનમાં બહાર આવ્યું છે. આઈઆઈટી ગાંધીનગરને આ અંગેની કામગીરી સોંપાઈ હતી. એક વર્ષ પહેલાં સોમનાથના ટ્રસ્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિલ્હી ખાતેના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં મંદિરના પુરાતત્ત્વનો અભ્યાસ કરવાનું સૂચન વડાપ્રધાન મોદીએ કર્યું હતું.

  4 સ્થળે GPR ઇન્વેસ્ટિગેશન કર્યું

  આઇઆઇટી ગાંધીનગર દ્વારા એની 4 સહયોગી સંસ્થાના આર્કિયોલોજીના નિષ્ણાતોની ટીમ સોમનાથ આવી હતી. સોમનાથ અને પ્રભાસપાટણમાં કુલ 4 સ્થળે આ ટીમે જીપીઆર ઇન્વેસ્ટિગેશન કર્યું હતું, જેમાં ગૌલોકધામ, સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વાર તરીકે ઓળખાતા મેઇન ગેટથી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યૂ આસપાસના સ્થળે તેમજ બૌદ્ધ ગુફાનો સમાવેશ થાય છે, જેનો 32 પાનાંનો રિપોર્ટ નકશા સાથે સોમનાથ ટ્રસ્ટને સોંપવામાં આવ્યો હતો.

  હિરણના કાંઠે પણ ભૂગર્ભમાં બાંધકામના પુરાવા મળ્યા

  આ રિપોર્ટ પ્રમાણે, પ્રભાસપાટણના સોમનાથ હસ્તકના ગૌલોકધામમાં આવેલા ગીતામંદિરના આગળના ભાગમાં હિરણ નદીના કાંઠે થયેલા સર્વેમાં ભૂગર્ભમાં પાકું બાંધકામ હોવાનું જણાયું છે. દિગ્વિજય દ્વારથી સરદાર પટેલના સ્ટેચ્યૂ પાસે અગાઉ જૂનો કોઠાર નામથી ઓળખાતું બાંધકામ હતું, જે દૂર કરવામાં આવ્યું છે. ત્યાં ભૂગર્ભમાં 3 માળનું મકાન હોવાનું માલૂમ પડ્યું છે, જેમાં એક માળ અઢી મીટર, બીજો માળ 5 મીટર અને ત્રીજો માળ સાડાસાત મીટરની ઊંડાઇએ આવેલો છે. જ્યારે સોમનાથમાં અત્યારે યાત્રિકોની સિક્યોરિટી તપાસ થાય છે એ સ્થળે પણ ભૂગર્ભમાં એલ આકારનું બાંધકામ હોવાનું જણાયું છે.

  વૈજ્ઞાનિક પદ્ધતિથી આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે

  ઈન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી, ગાંધીનગરના નિષ્ણાતોએ આશરે 5 કરોડની કિંમતનાં મોટાં મશીનો સાથે પ્રભાસપાટણ આવી સોમનાથમાં એક દિવસ રાત્રિ રોકાણ કરી સાઇડ લે આઉટ પ્લાન તૈયાર કરી સરવે કરી જે સ્થળોએ 2 મીટરથી 12 મીટર સુધી જીપીઆર ઇન્વેસ્ટિગેશન દ્વારા જમીનની અંદર વાઇબ્રેશન આવે એના પરથી નિષ્ણાત પોતાનો અભિપ્રાય આપે છે. એના પરથી રિપોર્ટ તૈયાર થાય છે.

  5 રાજવીએ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો

  નાસિકના ઉશતદાત રાજાના ઈસ બીજી સદીના શિલાલેખમાં પ્રભાસનો પુણ્ય ભૂમિ તરીકે ઉલ્લેખ છે. ત્યાં ખોદકામ દરમિયાન પહેલા મંદિરના અવશેષ મળ્યા હતા. એ જગ્યાએ બીજું મંદિર વલભીપુર (ઈસ 500થી 700)ના રાજાએ બંધાવ્યું હતું. ત્રીજું મંદિર કનોજના ગુર્જર પ્રતિહાર રાજાઓએ (ઈસ 800થી 950)માં બંધાવ્યું હતું. માળવાના રાજા ભોજ અને ગુજરાતના રાજા ભીમદેવે ત્રીજા મંદિરના અવશેષો પર ચોથું મંદિર બનાવ્યું હતું. ત્યાર બાદ ઈસ 1169માં ગુજરાતના રાજા કુમારપાળે બનાવ્યું હતું, જેના અવશેષો ઈસ 1950 સુધી રહ્યા હતા. બાદમાં ઈસ 1169માં ગુજરાતના રાજા કુમારપાળે બંધાવેલું સોમનાથાનું પાંચમું મંદિર 13 નવે. 1947ના રોજ ઉતારવામાં આવ્યું તથા નવા મંદિરના નિર્માણનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. 8 મે 1950માં સોમનાથ મંદિરની પાયાવિધિ થઈ હતી. બાદમાં 11 મે 1951માં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.

  જૂનાગઢના ઉપરકોટનું પણ GPR ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ

  જૂનાગઢમાં આવેલો ઉપરકોટ ઐતિહાસિક છે. રાજા ઉગ્રસેન યાદવે અહીં પોતાની રાજધાની બનાવી હોવાનું કહેવાય છે. ત્યારે ઉપરકોટના કિલ્લાનું જીપીઆર ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ.

  Source

  Related posts

  વાતાવરણ:વલસાડમાં 8 કિમીની ઝડપે ઠંડો પવન ફૂંકાતા લોકો ધ્રુજી ઉઠ્યા

  ValsadOnline

  નલિયા 5 ડિગ્રી સાથે ઠંડુંગાર,

  ValsadOnline

  સાયલીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ:દાનહના સાયલીમાં 60 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ 2021માં લોકો માટે ખુલ્લું મુકાશે

  ValsadOnline