આજના દિવસને શા માટે પસંદ કરવામાં આવ્યો ?
આજે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી છે. સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી(BJP) તરફથી કાર્યક્રમ કરાવવામાં આવશે. આ કાર્યક્રમોમાં કેન્દ્રીય મંત્રી, BJP શાસિત રાજ્યોના મુખ્યમંત્રી, મંત્રી, સાંસદો, ધારાસભ્યો સામેલ હશે. ખેડૂતોને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન બતાવવામાં આવશે. આ દરમિયાન BJP કાર્યકર્તાઓ ઘરે-ઘરે જઈને કૃષિ કાયદાઓને લઈને લખવામાં આવેલા કૃષિમંત્રીના પત્રને વહેંચશે.
દર વર્ષે 6 હજાર રૂપિયા ખેડૂતોને આપવામાં આવે છે
વડાપ્રધાન કિસાન સમ્માન નિધિ અંતર્ગત સમગ્ર દેશના ખેડૂતોને દર વર્ષે કેન્દ્ર સરકાર તરફથી 6 હજાર રૂપિયા 3 હપતામાં આપવામાં આવે છે. અત્યારસુધીમાં 10 કરોડ 96 લાખ ખેડૂતોને આ યોજનાનો લાભ મળી ચૂક્યો છે. કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આ માહિતી પ્રેસ-કોન્ફરન્સમાં આપી છે. તેમણે જણાવ્યું હતું કે PM મોદી કિસાનોને નવા કૃષિ કાયદાઓની ખૂબીઓ પણ બતાવશે. આ કાર્યક્રમ માટે 22 ડિસેમ્બર સુધીમાં સમગ્ર દેશના 2 કરોડ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
ખેડૂત આંદોલનનો આજે 30મો દિવસ
કૃષિ કાયદાઓની વિરુદ્ધ દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનનો આજે 30મો દિવસ છે. સરકારે ગુરુવારે વધુ એક પત્ર લખીને ખેડૂતોને વાતચીત માટે દિવસ અને સમય નક્કી કરવાની અપીલ કરી છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે ખેડૂતોના મુદ્દાને હલ કરવા માટે સરકાર ગંભીર છે, સાથે જ સરકારે એ સ્પષ્ટ કર્યું છે કે મિનિમમ સપોર્ટ પ્રાઈઝ સાથે જોડાયેલી કોઈપણ નવી માગ જે નવા કૃષિ કાયદાઓની સીમાથી બહાર છે, એને વાતચીતમાં સામેલ કરવી એ યોગ્ય નથી. બુધવારે જ ખેડૂતોએ સરકારના અગાઉ મોકલેલા પત્રને નકારી દીધો હતો. તેમણે કહ્યું હતું કે સરકારના પ્રપોઝલમાં દમ નથી, નવો એજન્ડા લાવે પછી વાત થશે.