we-should-always-respect-the-food-made-by-the-mother-Valsad-ValsadOnline

Inspiration

માતા દ્વારા બનાવેલા ભોજનનું હંમેશાં સન્માન કરો, કેમ કે આ ભોજનથી જ મનને તૃપ્તિ મળે છે

By ValsadOnline

January 07, 2021

એકવાર કુબેર દેવે વિચાર્યું કે મારી પાસે આટલું ધન છે તો મારે થોડા ખાસ લોકોને ભોજન માટે આમંત્રિત કરવા જોઇએ. કુબેર શિવજી પાસે પહોંચ્યા અને તેમને સપરિવાર પોતાના ઘરે આમંત્રિત કર્યાં.

શિવજીએ કુબરેને કહ્યું, તમે અમને ભોજન માટે બોલાવી રહ્યા છે, તેનાથી સારું તમે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો.

કુબેર બોલ્યાં, ભગવાન, હું અન્ય લોકોને તો ભોજન કરાવું જ છું. મારી માટે એટલું ધન છે, તો હું તમારા પરિવારને પણ ભોજન કરાવવા માગું છું.

શિવજી સમજી ગયા કે કુબેરજીને પોતાના ધનનું ઘમંડ થઇ ગયું છે. તેઓ બોલ્યાં, હું તો ક્યાંય આવતો-જતો નથી, તમે એક કામ કરો, ગણેશને લઇ જાવ. તેને ભોજન કરાવી દો. પરંતુ ધ્યાન રાખજો ગણેશની ભૂખ અલગ પ્રકારની છે.

કુબેરે કહ્યું, હું બધાને ભોજન કરાવી શકું છું તો ગણેશજીને પણ ખવડાવી દઇશ

બીજા દિવસે ગણેશજી કુબેર દેવના ઘરે પહોંચી ગયા. કુબેરે તેમના માટે ઘણું ભોજન બનાવડાવ્યું હતું. ગણેશજી ભોજન માટે બેઠા ત્યારે ભોજન ખતમ થઇ ગયું. તેમણે વધારે ભોજન માંગ્યું. કુબેર આ જોઇને ગભરાઇ ગયાં. તેમણે વધારે ભોજન તરત જ બનાવડાવ્યું તો તે પણ ખતમ થઇ ગયું. ગણેશજી સતત ભોજન માંગી રહ્યા હતાં.

કુબેરજી બોલ્યાં, હવે બધું ભોજન ખતમ થઇ ગયું છે. ગણેશજીએ કહ્યું મને તમારા રસોડામાં લઇ જાવ, મારી ભૂખ શાંત થઇ નથી.

કુબેર ગણેશજીને રસોડામાં લઇ ગયા ત્યારે ત્યાં રહેલી બધી વસ્તુઓ ખતમ થઇ ગઇ, પરંતુ ગણેશજી હજુ પણ ભૂખ્યા હતાં. તેમણે કહ્યું, મને ભંડાર ઘરમાં લઇ જાવ, જ્યાં ભોજનનો કાચો સામાન રાખવામાં આવ્યો છે. કુબેર ભગવાનને પોતાના ભંડાર ઘરમાં લઇ ગયા ત્યારે ગણેશજીએ ત્યાં રાખેલી બધું જ વસ્તુઓ ખાઇ લીધી.

હવે કુબેર દેવને કશું જ સમજાતું ન હતું કે ગણેશજીને કેવી રીતે તૃપ્ત કરી શકાય.

કુબેર તરત જ શિવજી પાસે પહોંચ્યાં. તેમને સંપૂર્ણ વાત જણાવી દીધી. શિવજીએ ગણેશજીને જોયા અને કહ્યું, જાવ, માતા પાર્વતીને બોલાવીને લાવો.

માતા પાર્વતીને જોઇને ગણેશજીએ કહ્યું, માતા, કુબેર દેવના ભોજનથી મારી ભૂખ શાંત થઇ નથી. મને ભોજન માટે કશુંક આપો.

પાર્વતીજી પોતાના રસોડામાં ગઇ અને ભોજન બનાવીને લઇ આવી. તેમણે તેમના હાથે ગણેશજીને ભોજન કરાવ્યું ત્યારે તેઓ તૃપ્ત થયાં. માતાએ વધારે ભોજન આપ્યું ત્યારે ગણેશજીએ કહ્યું કે હવે મારું પેટ ભરાઇ ગયું છે. હું હવે વધારે ભોજન કરી શકીશ નહીં.

માતાએ ફરી કહ્યું, બેટા ખાઇ લો.

ત્યારે ગણેશજી ઊભા થઇ ગયા અને બોલ્યાં, માતા હું તો ભોજન કરી લઇશ પરંતુ મારું પેટ ફાટી જશે. આ બોલીને ગણેશજી ત્યાંથી જતાં રહ્યાં.

બોધ :– આ કથાથી આપણને બે બોધપાઠ મળે છે. પહેલો, આપણે આપણાં ધન ઉપર ઘમંડ કરવું જોઇએ નહીં. બીજી, માતા દ્વારા બનાવેલ ભોજનનું હંમેશાં સન્માન કરો. જે તૃપ્તિ માતાના હાથથી બનેલાં ભોજનથી મળે છે, તે બહારના ભોજનથી મળી શકતી નથી.