jeevan-mantra-inspiration-Valsad-ValsadOnline

Inspiration

જીવન મંત્ર:ઘમંડ કરવું વર્તમાનમાં તો સુખ આપી શકે છે, પરંતુ ભવિષ્યમાં નુકસાન પહોંચાડે છે

By ValsadOnline

January 05, 2021

એક રાજા ભગવાન મહાવીર સ્વામીને મળવા જતો હતો. તે મહાવીરને કિંમતી ઘરેણાં અને અન્ય ભેટ આપવાની કોશિશ કરતો રહેતો હતો. પરંતુ, સ્વામીજી દરેક વાર રાજાને કહેતાં હતાં, તેમને નીચે રાખી દો. રાજા તેમની આજ્ઞાનું પાલન કરીને તે વસ્તુઓ ત્યાં જ નીચે રાખીને પાછા ફરી જતાં હતાં.

ઘણાં દિવસો સુધી આવું ચાલતું રહ્યું. એક દિવસ રાજાએ પોતાના મંત્રીને કહ્યું, હું આટલી કિંમતી વસ્તુઓ મહાવીર સ્વામીને આપવા માટે જાવ છું, પરંતુ તેઓ તે બધી વસ્તુઓ ત્યાં જ નીચે રાખવાનું કેમ કહે છે? હું પણ તે બધી વસ્તુઓ ત્યાં મુકીને આવી જાવ છું. હું એક રાજા છું, તેમને ભેટ આપવા માગું છું. પરંતુ તેઓ મારી વસ્તુઓનું કોઇ માન રાખતાં નથી. સ્વામીજી આવું કેમ કરી રહ્યા છે તે મને સમજાઇ રહ્યું નથી.

મંત્રી ખૂબ જ બુદ્ધિમાન હતો. તેમણે કહ્યું, તમે આ વખતે ખાલી હાથ જજો. કોઇપણ વસ્તુઓ સાથે લઇને જશો નહીં. પછી જુઓ, તે શું રાખવાનું કહે છે. રાજાએ મંત્રીની વાત ગમી.

રાજા બીજીવાર ખાલી હાથે ગયો ત્યારે મહાવીર સ્વામીએ કહ્યું, હવે તમે નીચે પડી જાવ. રાજાને સમજાયું નહીં કે પોતાને નીચે કેવી રીતે પાડે? તેમણે મહાવીરને કહ્યું, તમારી વાતો મને સમજાઇ રહી નથી. તમે મને રોજ વસ્તુઓ નીચે રાખવાનું શા માટે કહો છો?

મહાવીર સ્વામીએ કહ્યું, તમે રાજા છો. તમને એવું લાગે છે કે તમે વસ્તુઓ આપીને કોઇપણ વ્યક્તિને જીતી શકો છો. મેં તમને પોતાને નીચે પાડવાનું કહ્યું તો તેનો અર્થ એ છે કે આપણી અંદર જે હું હોય છે, તે અહંકાર સ્વરૂપમાં હોય છે. હું એ કહેવા માગું છું કે તમારો અહંકાર નીચે રાખી દો અને પછી ઊભા થઇ જાવ.

રાજાને વાત સમજાઇ ગઇ કે ગુરુ સામે ઘમંડ લઇને જવું જોઇએ નહીં.

બોધ” ભગવાન વ્યક્તિનો ઘમંડ તોડવા માટે ગુરુને માધ્યમ બનાવે છે. ગુરુ જાણે છે કે અહંકાર ભવિષ્યમાં નુકસાન પહોંચાડે છે. આ એક ખરાબ અવગુણ છે, જેનું પ્રદર્શન કરવાથી વર્તમાનમાં તો સુખ મળે છે, પરંતુ તેનાથી બધું જ બરબાદ થઇ શકે છે.”