ભારતે પ્રથમ ICCમાં અંડર-19 મહિલા વર્લ્ડ કપ જીત્યો છે. દક્ષિણ આફ્રિકાના પોટચેસ્ટરૂમમાં રમાયેલી ફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું. ભારતની સૌમ્યા તિવારીએ વિનિંગ શોટ ફટકાર્યો હતો. 6 રન આપીને 2 વિકેટ ઝડપનારી તિતાસા સાધુ પ્લેયર ઓફ ધ મેચ રહી, સાથે જ વાઇસ-કેપ્ટન શ્વેતા સેહરાવતે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 297 રન બનાવ્યા હતા.
1. શેફાલી વર્મા
ભારતની સિનિયર વુમન ટીમની ઓપનર શેફાલી વર્માને અંડર-19 વર્લ્ડ કપમાં ટીમની કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી. શેફાલીએ 4 વર્ષ પહેલાં 2019માં સિનિયર વુમન ટીમ માટે ડેબ્યુ કર્યું હતું. શેફાલી અત્યારસુધી સિનિયર ટીમ સાથે 21 વન-ડે અને 51 ટી-20 રમી ચૂકી છે. વર્લ્ડ કપ પહેલાં શેફાલીએ સાઉથ આફ્રિકા અંડર-19 ટીમ વિરુદ્ધ 5 મેચમાં કેપ્ટનશિપ પણ કરી હતી. આ વર્લ્ડ કપની 7 મેચમાં તેણે 172 રન બનાવ્યા તથા 4 વિકેટ પણ લીધી.
2. શ્વેતા સેહરાવત
દિલ્હીમાં ડોમેસ્ટિક ક્રિકેટ રમતી શ્વેતા સેહરાવત 18 વર્ષની છે. ટીમ ઇન્ડિયાની વાઇસ-કેપ્ટન રાઇટ હેન્ડ બેટર શ્વેતાએ વર્લ્ડ કપમાં ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું. તે આ ટૂર્નામેન્ટની ટોપ સ્કોરર છે. તેણે પોતાના આક્રમક બેટરથી ટીમ ઇન્ડિયાને મેચ જિતાડી. વર્લ્ડ કપની સાઉથ આફ્રિકા સામેની પ્રથમ મેચમાં તેણે 92 રનની નોટઆઉટ ઈનિંગ પણ રમી હતી.
3. ઋચા ઘોષ
શફાલીની જેમ ઋચા પણ સિનિયર ટીમ તરફથી ક્રિકેટ રમી ચૂકી છે. 19 વર્ષીય વિકેટકીપર-બેટ્સમેન સિનિયર ટીમ માટે 17 વન-ડે અને 30 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂકી છે. ઋચા પશ્ચિમ બંગાળના સિલિગુડીની રહેવાસી છે. મિડલ ઓર્ડરમાં તે આક્રમક બેટિંગ કરે છે. આ ટૂર્નામેન્ટમાં તેણે 93 રન બનાવ્યા હતા.
4. ગોંગડી ત્રિષા
17 વર્ષની ગોંગડી ત્રિષા તેલંગાણાના બાદરાચલમમાં રહે છે. ટોપ-ઓર્ડર બેટરની ભૂમિકામાં ટીમ ઇન્ડિયામાં સામેલ ત્રિષા 12 વર્ષની ઉંમરથી ક્રિકેટ રમી રહી છે. તે ક્રિકેટમાં હૈદરાબાદ માટે પણ સતત શાનદાર પ્રદર્શન કરે છે. આ વર્લ્ડ કપમાં પણ તેણે 108ના સ્ટ્રાઇક રેટથી 116 રન બનાવ્યા. ફાઇનલમાં તેણે 24 રન પણ બનાવ્યા. જરૂરિયાત પડે ત્યારે તે આર્મ બોલિંગ પણ કરી લે છે.
5. સૌમ્યા તિવારી
મધ્યપ્રદેશના ભોપાલની સૌમ્યા તિવારી 17 વર્ષની છે. તે બેટર ઓલરાઉન્ડર છે અને ટોપ ઓર્ડરમાં બેટિંગ કરે છે. મિડ-પર્ફોર્મન્સ ટીમ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમનાર સૌમ્યા 7-8 વર્ષની ઉંમરથી જ ક્રિકેટ રમી રહી છે. સૌમ્યાએ પહેલા તો એ વિસ્તારનાં બાળકોને ક્રિકેટ રમતાં જોયાં અને અહીંથી તેને ક્રિકેટનો પણ શોખ થવા લાગ્યો. તેણે આ ટૂર્નામેન્ટની 4 મેચમાં 84 રન બનાવ્યા હતા. તેણે ફાઇનલમાં વિજયી રન બનાવ્યો હતો.
6. સોનિયા મેંધિયા
હરિયાણાની સોનિયા મેંધિયા 18 વર્ષની છે. તે બેટિંગમાં ઓલરાઉન્ડર છે, જે ઓફ સ્પિન સાથે જમણા હાથે બેટિંગ પણ કરે છે. હરિયાણા તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમતી વખતે તે ફાસ્ટ સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરવા માટે જાણીતી છે. મિડલ ઓવર્સમાં તે ચોક્કસ લાઇન લેન્થ પર પણ બોલિંગ કરે છે. આ ટૂર્નામેન્ટમાં તેણે 11 રન બનાવ્યા હતા.
7. રિષિતા બસુ
રિષિતા બસુ 18 વર્ષની વિકેટકીપર બેટર છે. તે પશ્ચિમ બંગાળના હાવડાની છે. ઋચા ઘોષ પછી તે ટીમ ઇન્ડિયા માટે બીજો વિકેટકીપિંગ ઓપ્શન છે. આ વર્લ્ડ કપમાં તેણે 25 રન બનાવ્યા. ફાઇનલમાં તે સોમ્યા તિવારી સાથે રહી.
8. સોનમ યાદવ
ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદની સોનમ યાદવ લગભગ 15 વર્ષની છે. ટીમ ઇન્ડિયામાં તે લેફ્ટ આર્મ સ્પિનર તરીકે સામેલ છે. આ ટૂર્નામેન્ટના 6 મેચમાં તેણે 5 વિકેટ લીધી. ફાઇનલ મેચમાં ઇગ્લેન્ડની છેલ્લી વિકેટ તેની બોલિંગ પર જ આવી.
9. મન્નત કશ્યપ
19 વર્ષની મન્નત કશ્યપ પટિયાલાની છે. તે ઓલરાઉન્ડર છે અને મુખ્ય રીતે લેફ્ટ આર્મ બોલિંગ કરે છે. ટૂર્નામેન્ટ પહેલાં તે માંકડિંગ કરીને ચર્ચામાં આવી હતી. આ ટૂર્નામેન્ટની 6 મેચમાં તેણે 9 વિકેટ લીધી. તે પાર્શ્વી ચોપડા પછી ભારતની બીજી સૌથી સફળ બોલર છે.
10. અર્ચના દેવી
18 વર્ષની અર્ચના દેવી ઉત્તરપ્રદેશના કાનપુરની છે. તે ટીમની ફર્સ્ટ ચોઇસ સ્પિનર છે. આ વર્લ્ડ કપમાં તેણે ભારત માટે અનેક વિકેટ લીધી હતી. ફાઇનલમાં 2 વિકેટ લેવાની સાથે તેણે એક શાનદાર પ્લાઇંગ કેચ પણ પકડ્યો. આ ટૂર્નામેન્ટની 7 મેચમાં તેણે 8 વિકેટ લીધી.
11. પાર્શ્વી ચોપડા
16 વર્ષની પાર્શ્વી ચોપડા ઉત્તરપ્રદેશના બુલંદશહેરની છે. લેગસ્પિનરે ટૂર્નામેન્ટમાં ભારત માટે સૌથી વધારે 11 વિકેટ લીધી. આ દરમિયાન તેની ઇકોનોમી પણ લગભગ 3.76 રહી. તે સિનિયર વુમન્સ-બી ટીમ સાથે પણ ડોમેસ્ટિક ક્રિકેટ રમી ચૂકી છે.
12. તિતાસા સાધુ
પશ્ચિમ બંગાળના ચિનસુરામાં રહેતા તિતાસા સાધુની ઉંમર 18 વર્ષ છે. જમણા હાથથી ફાસ્ટ બોલિંગ કરનારી સાધુની ગતિ શ્રેષ્ઠ છે. તેણે ફાઇનલમાં ઇંગ્લેન્ડની પ્રથમ વિકેટ લીધી હતી. આ ટૂર્નામેન્ટની 6 મેચમાં તેણે 6 વિકેટ લીધી હતી.
13. શબનમ શકીલ
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં રહેતી શબનમ શકીલ 15 વર્ષની છે. ફાસ્ટ બોલિંગ કરવા માટે તેને ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવી છે. આ ટૂર્નામેન્ટની 2 મેચમાં તેને ચાન્સ મળ્યો. આ દરમિયાન તેણે એક વિકેટ પણ લીધી.
14. ફલક નાઝ
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં રહેતી ફલક નાઝ 18 વર્ષની છે. તે બોલિંગ ઓલરાઉન્ડર છે, પરંતુ આ વર્લ્ડ કપની એકપણ મેચમાં તેને રમવાની તક મળી નથી.
15. સોપ્પાઘંડી યશશ્રી
હૈદરાબાદથી ડોમેસ્ટિક ક્રિકેટ રમતી સોપ્પાઘંડી યશશ્રી 18 વર્ષની છે. ટીમમાં બોલિંગ ઓલરાઉન્ડર તરીકે સામેલ યશશ્રીને સ્કોટલેન્ડ વિરુદ્ધ ટીમે તક આપી. એ મેચમાં તેની બેટિંગ આવી નહીં, પરંતુ બોલિંગથી 2 ઓવરમાં 22 રન આપ્યા હતા.