PM આવાસ યોજના અને પરિવારના સભ્યોની મદદથી આવાસ તૈયાર કર્યુ
વાપી કબ્રસ્તાન રોડ પર રહેતી અને તબીબની હોસ્પિટલમાં રસોઇ બનાવતી મહિલાએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તૈયાર કરેલા આવાસને શુક્રવારે વડાપ્રધાને ઓનલાઇન બેસ્ટ આવાસનો એવોર્ડ એનાયત કર્યો હતો. આ મહિલાએ યોજનાની સાથે પરિવારના સભ્યોએ આર્થિક ટેકો કરતાં 10.50 લાખનું આવાસ તૈયાર કરતાં તેની પસંદગી થઇ હતી. વડાપ્રધાન મોદીએ 2015માં પ્રધાનમંત્રી આવાસ યોજનાની શરૂઆત કરી હતી.જે અંતગર્ત વાપી પાલિકા વિસ્તારમાં પી.એમ.આવાસ યોજનાની બી.એલ.સી.ઘટક (બેનીફીસીયરી લેડ કન્સ્ટ્રકશન)ની કામગીરી ચાલી રહી હતી.
જેમાં વાપી કબ્રસ્તાન રોડ પર રહેતા પટેલ મીનાબેન રમેશભાઇએ પણ આ યોજનાનો લાભ લીધો હતો. મીનાબેનને રૂ.3.50 લાખ પી.એમ.આવાસ યોજના હેઠળ અને પરિવારના સભ્યોએ અંદાજે 7 લાખ મળી કુલ 10.50 લાખમાં આવાસ તૈયાર કર્યુ હતુ. શુક્રવારે વડાપ્રધાન મોદી દ્વારા વિડિયો કોન્ફરન્સના માધ્યમથી વલસાડ એનઆઇસી સેન્ટર ખાતે વાપીના લાભાર્થી મીનાબેનને બેસ્ટ આવાસ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. કલેકટર આર.આર.રાવલ,પાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલ, ચીફ ઓફિસર દર્પણ ઓઝા, વલસાડ એનઆઇસીના નોડલ અધિકારી લતાબેન પટેલ હાજર રહ્યા હતાં.
નિરીક્ષણ કરતી ટીમે આ પાસા ધ્યાને લીધા
સામાન્ય રીતે લાભાર્થીઓ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જાતે વધારે મહેનત કરતાં નથી, પરંતુ વાપી કબ્રસ્તાન રોડ રહેતા મીનાબેન પટેલના પરિવાર આર્થિક રીતે વધારે સધ્ધર ન હોવા છતાં પણ તેમના પરિવારજના સભ્યોએ આર્થિક મદદ કરી હતી. જેના પરિણામે આવાસમાં દરેક સુવિધા ઉપલબ્ધ થઇ છે. નિરીક્ષણ કરતી ટીમે આ પાસાને ધ્યાનમાં રાખીને પસંદગી કરી હતી.