શિયાળામાં મૂળાના પરાઠા લોકોને ખૂબ જ પસંદ આવે છે. આ જ કારણ છે કે મૂળા દરેક રસોડાનો મહત્ત્વનો ભાગ બની જાય છે. ત્યારે મૂળાનું શાક પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. આ સાથે જ તે સલાડ સ્વરૂપે પણ ખાઇ શકાય છે તો કેટલાક લોકો તેનું અથાણું પણ પસંદ કરે છે. ત્યારે કેટલાક લોકો એવા પણ છે જે મૂળા ખાવાનું તો દૂર જોવાનું પણ પસંદ કરતા નથી. જો તમે પણ તે લોકોમાંથી એક છો તો મૂળાથી થતાં ફાયદાઓ વિશે જાણી લો. એકવાર તેના ફાયદા વિશે જાણી લેશો તો તમે પોતે તેને પોતાના ડાયેટમાં સામેલ કરશો.
લિવરની પરેશાની દૂર કરશે
જો તમને પેટ ભારે લાગી રહ્યું છે તો તમે મૂળાના રસમાં મીઠુ મિક્સ કરીને પીઓ. તેનાથી તમને આરામ મળશે. જે લોકોને લિવર સંબંધિત કોઇ મુશ્કેલી છે તો તેમણે પોતાના ડાયેટમાં મૂળા સામેલ કરવા જોઇએ. આ તમારા લીવરને સ્વસ્થ રાખે છે.
હાઇ બીપીમાં ફાયદાકારક
હાઇ બીપીના લોકો માટે પણ મૂળા ખૂબ જ ફાયદાકારક છે. એન્ટી હાઇપરટેન્સિવ ગુણોથી ભરપૂર મૂળા હાઇ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેમાં પર્યાપ્ત પ્રમાણમાં પોટેશિયમ હોય છે જે આપણા શરીરમાં સોડિયમ-પોટેશિયમનાં ગુણોત્તરનું બેલેન્સ જાળવી રાખે છે જેનાથી બ્લડ પ્રેશર મેઇન્ટેઇન રહે છે.
કિડનીને સ્વસ્થ રાખે છે
પૌષ્ટિક તત્વોથી ભરપૂર મૂળા આપણી કિડનીને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. આ આપણા શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં પણ મદદ કરે છે અને એટલા માટે તેને નેચરલ ક્લીન્ઝર પણ કહેવામાં આવે છે. આ આપણા આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેમાં સારા પ્રમાણમાં ફાઇબર મળી આવે છે જે કબજિયાતના દર્દીઓ માટે રામબાણ છે.
ભૂખ વધી જાય છે
જો કોઇને ભૂખ ન લાગવાની પરેશાની છે તો તેના માટે તમે મૂળાના રસમાં આદુનો રસ મિક્સ કરીને પીઓ. આમ કરવાથી તમારી ભૂખ વધશે અને તમને જો પેટ સંબંધિત કોઇ રોગ છે તો તે પણ દૂર થશે.
કમળામાં છે ફાયદાકારક
કમળાના પેશન્ટ્સ માટે આ રામબાણ કામ કરે છે. કમળાના દર્દીએ પોતાના ડાયેટમાં તાજા મૂળા સામેલ કરવા જોઇએ. દરરોજ સવારે એક કાચા મૂળા ખાવાથી કમળાનો રોગ ઠીક થઇ જાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ આ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં રહેલ તત્ત્વ ઈન્સ્યુલિનને કંટ્રોલ કરવાનું કામ કરે છે. કોઇ પણ નુસ્ખો અજમાવતા પહેલા ડૉક્ટર્સની સલાહ લેવી જરૂરી છે.