ભગવાન શિવ ત્રિદેવોમાંથી એક છે અને એટલા માટે હિન્દૂ ધર્મમાં ભગવાન શિવને વિશેષ મહત્ત્વ છે. અઠવાડિયાના સાતેય દિવસ કોઇને કોઇ ઇશ્વરની પૂજા, ભક્તિ અને વ્રત માટે સમર્પિત હોય છે. એવામાં સોમવારના દિવસે ભગવાન શિવનો દિવસ માનવામાં આવે છે અને એવી માન્યતા છે કે આ દિવસે જો સાચ્ચા મનથી ભોલેનાથની પૂજા કરવામાં આવે તો દરેક મનોકામના પૂરી થઇ જાય છે. પરંતુ સોમવારના દિવસને જ ભગવાન શિવની પૂજા માટે આટલો મહત્ત્વનો કેમ માનવામાં આવે છે? જાણો તેનું કારણ અને શિવજીની પૂજા દરમિયાન કયા જરૂરી નિયમોનું પાલન કરવું જોઇએ.
સોમવારે શિવજીની પૂજાનું આ છે કારણ
- સોમવારના દિવસે ઘણા બધા લોકો શિવજીની પૂજા કરવાની સાથે જ વ્રત પણ રાખે છે. સોમવારના દિવસે રાખવામાં આવતા વ્રતને સોમેશ્વર વ્રતના નામથી પણ ઓળખવામાં આવે છે. સોમેશ્વરનો અર્થ છે સોમના ઇશ્વર. સોમ એટલે ચંદ્રમાના ઇશ્વર જે ભગવાન શિવ છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર ચંદ્રદેવે સોમવારના દિવસે જ ભગવાન શિવની આરાધના કરી હતી જેનાથી તેમને ક્ષય રોગથી મુક્તિ મળે અને તેઓ નિરોગી થઇ ગયા. એટલા માટે સોમવારના દિવસે ભગવાન શિવની પૂજા કરવા માટે સર્વોત્તમ માનવામાં આવે છે.
- આ ઉપરાંત સોમનો અર્થ સૌમ્ય પણ થાય છે. ભગવાન શંકરને ખૂબ જ સૌમ્ય અને શાંત દેવતા કહેવામાં આવે છે. તેઓ પોતાના ભક્તોની ભક્તિથી જલ્દી પ્રસન્ન થઇ જાય છે એટલા માટે તેમણે ભોલેનાથના નામથી પણ ઓળખવામાં આવે છે. શિવના સરળ હોવાને કારણે પણ સોમવારનો દિવસ શિવજીનો દિવસ માનવામાં આવે છે.
- જ્યારે સોમનું ઉચ્ચારણ કરવામાં આવે છે તો તેમાં ઓમનું પણ ઉચ્ચારણ હોય છે. એટલે કે સોમમાં ૐ પણ સમાવિષ્ટ છે અને શિવ ઓમકાર છે. એટલા માટે પણ સોમવારને શિવજીનો દિવસ માનવામાં આવે છે.
ભોલેનાથની પૂજામાં આ વાતોનું ધ્યાન રાખો
આમ તો ભોલેનાથ ખૂબ જ જલ્દી પ્રસન્ન થઇ જાય છે પરંતુ તેમની પૂજામાં કોઇ પ્રકારની ભૂલ ન થવી જોઇએ. એટલા માટે કેટલીક જરૂરી વાતો અને નિયમોનું ધ્યાન રાખવું આવશ્યક છે જેથી શિવજીની કૃપા હંમેશા જળવાઇ રહે.
- સોમવારના દિવસે શિવલિંગ પર જળ અને દૂધથી અભિષેક કરો, બિલિપત્ર ચઢાઓ અને ૐ નમ: શિવાય મંત્રનો જાપ કરો.
- આ દિવસે તમે શિવજીની પૂજા કર્યા બાદ શિવ ચાલીસા અથવા શિવાષ્ટકનો પાઠ પણ કરી શકો છો.
- શિવજીની પૂજામાં કેતકીનું ફૂલ ન ચઢાવશો. આ સાથે જ તુલસીનાં પાંદડાં અથવા તો શિવજીને શંખથી જળ પણ ન ચઢાવશો.
- શિવજીની પૂજામાં તલનો ઉપયોગ પણ ન કરશો, આ સાથે જ ભોલેનાથને હળદર અને કુમકુમ પણ ન ચઢાવશો.